નર તન હૈ ભારી
nar tan hai bhari
શીતલદાસ
Shitaldas
શીતલદાસ
Shitaldas
નર તન હૈ રે ભારી,
સમજ, મન! નર તન હૈ રે ભારી.
હાં બીજા જીવોથી સ્વતંત્ર શક્તિ શીદ દિયો છો વિસારી?
જનમો જનમ મૃત્યુ પામ્યો, પછે માનવદેહ ધારી... સમજ૦
એવું સમજી સતગુરુ ધારો, હરદમ જાત સંભારી,
તન મનથી સતગુરુજીને સેવો, છૂટો પાપ પોકારી... સમજ૦
તું કોણ? કોણ બોલનારો? કોણ છે જાત તારી?
પાંચ-પચીસને કરી રાખો, ગુરુગમ ગ્રહો વિચારી... સમજ૦
શ્વાસોશ્વાસે સાહેબ સમરો, ભ્રમણા ભાંગો ભારી,
નીજ નામ સે નેહ લગાવો, પિંડે પ્રેમ પ્રજાળી... સમજ૦
સાયરમાં જેમ સરિતા સમાણી, જલ તરંગ વિહારી,
'શીતળ' કહે પૂછો ગુરુને, મુગતિ કોણ બિચારી?
સમજ, મન! નર તન હૈ રે ભારી.
સ્રોત
- પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 195)
- સંપાદક : મકરંદ દવે
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1995
