નહીં મેલું રે સુંદર શ્યામ
Nahi melu re sundar shyam
પ્રેમસખી પ્રેમાનંદ
Premsakhi Premanand
પ્રેમસખી પ્રેમાનંદ
Premsakhi Premanand
નહીં મેલું રે સુંદર શ્યામ, કુંજ વિહારી રે;
હું તો દામ વિનાની નાથ, દાસી તમારી રે.
તમે ગુણવંત સુખના ધામ, સારંગપાણિ રે;
હું તો હાથે તમારે નાથ-જી વેચાણી રે.
જેમ રાખો તેમ રહું નાથ, એક પગે ઊભી રે;
નહીં વરતું કોઈ દિન નાથ, તમને દૂભી રે.
તારાં ચરણ તણી રજ શ્યામ, થઈને ચાલું રે;
કહો તો વ્રત રાખું વ્રજરાજ, તમને વ્હાલું રે.
જે કહેવું ઘટે તે કક્હાન, મુજને કહેજો રે;
વ્હાલા ‘પ્રેમાનંદ’ પર નાથ, રાજી રહેજો રે.
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 120)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
