munne hare leto jane raja bharathri ji - Bhajan | RekhtaGujarati

મુંને હારે લેતો જાને રાજા ભરથરી જી

munne hare leto jane raja bharathri ji

ગોપીચંદ ગોપીચંદ
મુંને હારે લેતો જાને રાજા ભરથરી જી
ગોપીચંદ

મુંને હારે લેતો જાને રાજા ભરથરી જી,

કહ્યું માનો મારા નાથ રે;

અરજી માનો પૃથ્વીનાથ રે,

મુંને માડી મત કહો બંકા રાજવી.

ધૂણી ધખાવું રંગમહેલમાં જી,

અરે આસન રાખું દોઢી માંય રે;

તમે રે જોગી ને હું તો જોગિણી,

પણ છાંડું તારો સંગ રે ... મુંને માડી મત કહો૦

વહેતાં તે નીર રાણી નિર્મળાં રે,

બાંધ્યાં ગંદલાં હો જાય રે;

જોગી રે સાધુ રાણી રમતા ભલા રે જી,

ડાઘ લાગે નહિ કાંઈ રે... મુંને માડી મત કહો૦

કહેા તો મહેલ મેં સે ગિર પડું રે જી,

જીવડાનેા કરું હું નિકાલ રે,

તારા જીવડાને રાજા કારણે જી,

પિંગળા તજ્યાં મા ને બાપ... મુંને માડી મત કહો૦

જમીને પધારો રાજા શહેરમાં રે જી,

ભેાજન થયાં છે તૈયાર રે;

તારાં રે ભાજનને રાણી ઢીલ ઘણી રે જી,

જાય મારો સાધુજનનો સાથ... મુંને માડી મત કહેા૦

બૂરો રે તેજી માથે ચાબખો રે જી,

બૂરો જમડાનો માર રે,

બૂરો રે રંડાપો બાળાપણનો રે જી,

વસવું ખાંડાની ધાર રે... મુંને માડી મત કહો૦

સોય ઊગે ને સોય આથમે રે જી,

ફૂલ્યા સો કરમાય રે;

ચડ્યાં તે દેવળ રાણી ગિર પડે રે જી,

જન્મ્યા સો મર જાય રે... મુંને માડી મત કહો૦

બાળું રે જોષીડા તારું ટીપણું રે જી,

તોડું તારી જનોઈના ત્રાગ રે;

કૂડે તે લગને પરાવિયાં રે જી,

કૂડાં જોયાં મારાં ભાગ રે... મુંને માડી મત કહેા૦

જુદો ને પડતો રાજા તું ઝૂરી મરતો રે જી,

ઝલમલ બેસું તારી પાસ;

બેસું રે દેવળ કેરી પૂતળી રે જી,

નહિ અવર કાંઈ આશ... મુંને માડી મત કહો૦

સેાનું રે જાણીને રાજા સંગ કર્યો રે જી,

કર્મે નીવડ્યું કથીર રે;

પંડ રે વટલાવી અમે પત ખોઈ રે જી,

સાંસો પડ્યો રે શરીર... મુંને માડી મત કહો૦

ઘેાડલે ચડતો ને રાજા રાણી કહેતેા રે જી,

કહે છે હવે પિંગળા માય રે;

તમે રે થાશેા રાજા કોઢિયા રે,

કોઢે ગળશે તમ કાય રે... મુંને માડી મત કહો૦

માતા રે મીણલદે પગ પેંગડે રે જી,

બેની ઘેાડવાની વાઘ રે;

નારી પિંગલા પલંગ પાથરે રે જી,

આસન કરો મારા નાથ રે...મુંને માડી મત કહો૦

ગેરુએ રંગ્યાં રે ગુરુએ ધેાતિયાં રે જી,

બાલુડે પે'રી લીધો ભેખ રે;

ઊજડ રે નગરીનેા મરઘો મારિયો રે જી,

ગુરુ મળ્યા ગોરખનાથ રે... મુંને માડી મત કહો૦

દીપકને ઝોલો લાગ્યો પવનનો રે જી,

નરને ઝોલો લાગ્યો નાર રે;

એવા સંતને ઝોલેા લાગ્યો શબ્દનો રે,

ઊતર્યા તે ભવપાર રે... મુંને માડી મત કહો

ગાય રે ગવડાવે શીખે સાંભળે રે જી,

એનો વૈકુંઠમાં હોજો વાસ રે;

જાલંધરનાથના ચરણમાં રે જી,

ગાય ‘ગોપીચંદ’ દાસ રે... મુંને માડી મત કહો૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ 1-2 (પૃષ્ઠ ક્રમાંક 173)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1963
  • આવૃત્તિ : 3