મુને વહાલા છો
Mune vhala chho
પ્રેમસખી પ્રેમાનંદ
Premsakhi Premanand
પ્રેમસખી પ્રેમાનંદ
Premsakhi Premanand
મુને વહાલા છો પ્રાણથી નાથ રે, સુંદર શામળિયા,
મારો જીવડો ફરે છે તેમ સાથ રે, સુંદર શામળિયા.
મારાં નેણાં ચકોર, તમે ચંદ રે, સુંદર શામળિયા,
તમને જોઉં ત્યારે આનંદ રે, સુંદર શામળિયા.
પ્રીત કોયલ, તમે ઋતુરાજ રે, સુંદર શામળિયા,
તમ વિના થાયે છે ઘણી દાઝ રે, સુંદર શામળિયા.
મારું ચિત્ત ચાતક, સ્વાત શ્યામ રે, સુંદર શામળિયા,
તમ વિના બીજું હરામ રે, સુંદર શામળિયા.
મન મીન, તમે સાગર પીવ રે, સુંદર શામળિયા,
તમ વિના તલપી જાયે જીવ રે, સુંદર શામળિયા.
ઘનશ્યામ તમે, હું છું મોર રે, સુંદર શામળિયા,
તમ વિના મરું છું કરી શોર રે, સુંદર શામળિયા.
હું તો ભ્રમર, કમળ તમે માવ રે, સુંદર શામળિયા,
આજ આવ્યો છે મારો દાવ રે, સુંદર શામળિયા.
તારા મુખડા જોયાની તાણ રે, સુંદર શામળિયા,
આવો ‘પ્રેમસખી’ના પ્રાણ રે, સુંદર શામળિયા.
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 121)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
