મીઠડા મા’વજી રે
Mithda mavji re
ભાલણ
Bhalan
ભાલણ
Bhalan
મીઠડા મા’વજી રે, મારે મંદિરે આવો;
પ્રેમે પીરસું પરમાનંદ, કૂર ને દૂધ શિરાવો.
મથુરાં રિદ્ધિ પામ્યા ઘણી, વાધ્યું છે અતિ તેજ રે;
સહી જાણજો મારા સરખું, કો નહિ આણે હેજ.
ધવરાવીને હૈયે ચાંપતી, ત્યમ દેવકી નહિ ચાંપે રે;
રોમાંચિત મારી દેહડી થાતી, ત્યમ તેની નવ કાંપે.
માતા નહિ થાઉં તમારી, ધાવ કહીને જાણો રે;
મેં બાંધ્યો જે માખણ માટે, તેણે રોષ ભરાણો.
કાલિંદી માંહે તમ ઉપર, જે હું નવ ઝંપાવી રે;
જાણું છું તે વાત સંભારી, રીસ મન માંહે આવી.
તેં દીધો ત્યમ કોઈ દે નહિ, પ્રીત કરીને છેહ રે;
ભાલણપ્રભુ રઘુનાથ સંભારો, એક ઘડીનો નેહ.
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
