meru to Dage - Bhajan | RekhtaGujarati

મેરુ તો ડગે

meru to Dage

ગંગાસતી ગંગાસતી
મેરુ તો ડગે
ગંગાસતી

મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહિ રે,

મરને ભાંગી પડે બ્રહ્માંડજી,

વિપત્તિ પડે તોયે વણસે નહિ રે,

સોઈ હરિજનનાં પરમાણ રે... મેરુ૦

ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ રાખે ને,

કોઈની નવ કરે આશ રે,

દાન દેવે પણ રહે અજાચી રે,

વચનમાં રાખે વિશ્વાસ રે જી... મેરુ૦

હરખ શોકની ના’વે હેડકી રે,

આઠે પહોરે આનંદ રે,

નિત્ય રહે સત્સંગમાં તો રે,

તોડે માયા કેરા ફંદ રે... મેરુ૦

તન, મન, ધન જે પ્રભુને અર્પે રે,

ધન્ય નિજારી નર ને નાર રે,

એકાંતે બેસીને અલખ આરાધે રે,

પ્રભુ પધારે દ્વાર રે... મેરુ૦

સંગત કરો તો તમે એવાની કરજો રે,

ભજનમાં રહેજો ભરપુર રે,

‘ગંગાસતી’ એમ બોલિયાં પાનબાઈ રે,

જેનાં નયણોમાં વરસે નૂર રે... મેરુ૦

સ્રોત

  • પુસ્તક : ગંગાસતીનાં ભજનો (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : નિર્મલ
  • પ્રકાશક : ગૌરવ પબ્લિકેશન, અમદાવાદ-1