વિશ્વરથ
Vishwarath
મેલી ગોદડી સંતો ભાઈ ધોઈ લેના,
ઊજરી કર રખના, દિલ કી ભ્રમણા છોડી દેના,
તમે ઘેર જાઓ રે ધુતારા, તમે ઘેર જાઓ રે ઠગારા,
ગોદડી અલખ તારા નામની... સંતો૦
ભાઈ રે ક્યાંથી પવન પધારિયા, પશ્ચિમ સે આયા પાણી રે,
ક્યાંથી આવ્યું તે પાણી રે, કહાં સે આઈ સુહાગણ સુંદરી,
કહાં સે કાયા બંધાણી રે... મેલી૦
સંતો ભાઈ ઉત્તર સે પવન પધારિયા, ઇંદ્ર સે આઈ સુહાગણ સુંદરી,
તબ સે કાયા બંધાણી રે... મેલી૦
ઊંડા કૂવા રે મુખથી સાંકડા, માંહે નવ નેજા પાણી,
સુગરા હોએ તો ભર ભર પીવે, નુગરા જાય રે પિયાસા... મેલી૦
ઊના ઊના આંધણ, છણછણે માંહી ઓરેલ મુંગા,
સુગરા હોય સો રીજી રહે ને નુગરા રહે જ કઠોરી... મેલી૦
તેલ કડાયામાં કડકડે, માંહે દીસે છે ચંદા,
દીસે પણ દાઝે નહિ, જેને સંગ રે ગોવિંદા... મેલી૦
દિલ કી બની સતા ગોદડી, માંહે પ્રેમ કા ધાગા,
સંત પુરુષ દરજી ભયે, કૃષ્ણ સીવણે કું લાગ્યા... મેલી૦
બોલ્યા વિશ્વનાથ દરશણી, બોલ્યા અમૃત વાણી,
આ રે વાણી આગમ તણી, કોઈ નર વિરલે જાણી... મેલી૦
સ્રોત
- પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 147)
- પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
- વર્ષ : 1925
