Maya to mastani re - Bhajan | RekhtaGujarati

માયા તો મસ્તાની રે

Maya to mastani re

હજૂરદાસ હજૂરદાસ
માયા તો મસ્તાની રે
હજૂરદાસ

માયા તો મસ્તાની રે, મોહ્યા જન મોટા મોટા;

લૂંટાયા એક પળમાં રે, વેરાગી જોગીઓના જોટા.

જટા ધારીને થયા રે જોગી, રાખ ચોળીને ફરે રાન;

ભગવાં વસ્ત્ર ને વાળે લંગોટા, પછી આરેગે સુરાપાન;

ગાંજો ભાંગ પીને રે કાઢે, ધૂણીઓના ગોટા. માયા૦

નાહી ધોઈને બાવો શરીરને નીરખે, ફરે મગન મસ્તાન;

આરતી વેળાએ જ્યારે માણસ આવે, તેની પહેલાં થાય ગુલતાન;

તાન તો લાવીને રે, પ્રીતે વગાડે ઘણા ટાબોટા. માયા૦

તિલક બનાવી માંહે સરિયે રે તાણે, આડબંધ બાંધે કેશ;

દાંતે વિકાસીને જુએ દર૫ણમાં, એ કેવા વેરાગીના વેશ?

ઘરોઘર ભટકે રે, લાજહીણા લંગોટા. માયા૦

બાવો તો એક ને બે-ત્રણ બૈરાં, બે ચાર પાંચ કે બાળ;

ધામા રે સારુ બે ધૂણી ધીખવે, પછી ફૂટી ભાંગે રે કપાળ;

પરાયા માલ ખાઈને રે, વધારે ડબરીના પોટા. માયા૦

આટો વેચીને બે વ્યાજે રે આપે, બનાવે મેડી ને મઠ્ઠું,

જ્ઞાન પૂછતાં ગાળો રે ભાંડે, રંડી કહીને ઉઠાવત લઠ્ઠું;

દુગ્ધાના પેટાણા રે, દુનિયામાં કાઢે દોટા. માયા૦

અડસઠ તીરથ કરીને રે આવ્યા, તોય ન ગયો મનનો મેલ;

મંદિર બાંધીને માયા રે રાખી, બૈરાં છોકરાં ઢોરાં ને વળી બેલ;

ખેતીવાડી કરતાં રે, હવાલ એના થયા ખોટા. માયા૦

જોગ લીધો પણ જુક્તિ ન જાણી, કર્યાં અધર્મનાં કામ;

સમજણ વિના અંતે થયો સાધુ, એને શાથી મળે સીતારામ?

‘હજૂરદાસ’ કહે છે રે, ત્યાગી નરના પડ્યા તોટા. માયા૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 768)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963