Maya - Bhajan | RekhtaGujarati

કોઈ માયા કરશો નહિ વા'લી,

જાવું હાથથી ખાલી, હું તે હાલી - હાલી૦

સિકંદર જેવા બાદશાહને માયા હતી બહુ વા'લી,

જનાજા બહાર હાથ રાખીને મૂઠિયું વાળેલી ખાલી,

હું તેા હાલી, હાલી૦

સદાદ જેવા બાદશાહ ને જીનાત હતી બહુ પ્યારી,

હીરા-માણેક ઝાડ બનાવ્યાં, તોય જોવા હું નો આવી.

હું તે હાલી, હાલી૦

કૈંક જણાએ મને ગળામાં ઘાલી, કૈંકે મને ભોંમાં ભંડારી,

કૈંક જણા મારી પૂજા કરે ને તોય સંગે ના હું હાલી.

હું તે હાલી, હાલી૦

માયા માયા કરતાં ઘણા મરી ગયા, માયા માંહે મથિત,

દાસ 'સાહેબખાં' કહે કર જોડીને, માયા કરજો અળગી.

હું તો હાલી, હાલી૦

સ્રોત

  • પુસ્તક : સંતસુધા-1 (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : જોરાવરસિંહ જાદવ
  • વર્ષ : 1989