Mata ladave lalne - Bhajan | RekhtaGujarati

માતા લડાવે લાલને

Mata ladave lalne

ભાલણ ભાલણ
માતા લડાવે લાલને
ભાલણ

માતા લડાવે લાલને, મુખડે કરે રે ચુંબન;

સુરને શોધ્યો તે નવ જડે, ધ્યાન ધરતા મહામુન્ય.

કૌશલ્યા કહે છે કેકૈ સુણો, પ્રગટ્યું પૂરવનું પુન્ય;

નાહ્યાં જઈને રે જાહ્નવી, કીધાં શિવપૂજન.

સાતે સાગર મીઠા થયા, ઊગ્યો પશ્ચિમ ભાણ;

વસુધા વાધી રે મોતીડે, ધન્ય અજોધ્યાને જાણ.

નેત્રસરોજ અંજાવતો દોડી દૂર પ્રભુ જાય;

કાજળખરડી આંગળી જનની અતિ અકળાય,

આતા, આંખ અંજાવીએ, નૌતમ દુઃખે નહિ નેણ;

આંખથી આદિત્ય ઉપન્યા, માનાં મિથ્યા છે વેણ.

પાયે ઉરાડે રેણુકા, માતા મન ધરે રીશ;

૨જ શિવજી શોધે, સદા ચડાવે વિરંચી શીશ.

મહેલોમાંહે મસ્તી કરે, કુંવર દોડયા દોડ્ય;

હોડે ચડ્યા હારે નહિ, જોવા સરખી છે જોડ્ય.

ખાંતે ખોળામાં ખેલતાં, વળી વળી કરે પયપાન;

ભાલણપ્રભુ રઘુનાથજી, અંતર પડી ઓળખાણ.

સ્રોત

  • પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1998