Mari nad tmare hath hari! - Bhajan | RekhtaGujarati

મારી નાડ તમારે હાથ, હરિ !

Mari nad tmare hath hari!

કેશવલાલ કેશવલાલ
મારી નાડ તમારે હાથ, હરિ !
કેશવલાલ

મારી નાડ તમારે હાથ, હરિ ! સંભાળજો રે;

મુજને પોતાને જાણીને પ્રભુપદ વાળજો રે. મારી૦

૫થ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું;

મને હશે શું થાતું, નાથ ! નિહાળજો રે. મારી૦

આ૫ અનાદિ વૈદ છો સાચા, કોઈ ઉપાય વિષે નહિ કાચા;

દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે ! મારી૦

વિશ્વેશ્વર શું હજી વિસારો? બાજી હાથ છતાં કાં હારો?

મહા મૂંઝારો મારો નટવર ટાળજો રે ! મારી૦

‘કેશવ’ હરિ ! મારું શું થાશે? ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?

લાજ તમારી જાશે, ભૂધર ! ભાળજો રે. મારી૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946