Mara jadupati jadava re - Bhajan | RekhtaGujarati

મારા જદુપતિ જાદવા રે

Mara jadupati jadava re

રતનીબાઈ રતનીબાઈ
મારા જદુપતિ જાદવા રે
રતનીબાઈ

મારા જદુપતિ જાદવા રે વિનંતી સુણોને વિશ્વાધાર,

શરણ તમારે હું છું શામળા રે તો વા'લા કેમ નહિ કરો વાર

મારા જદુપતિ જાદવા રે...

સભા સહુ દેખતાં હાર આપીએ રે બરદ પાળોને પોતાનું શ્યામ,

સહાય સેવકની કીજીએ રે મહેતાજીને મનમાં પૂરો હામ.

મારા જદુપતિ જાદવા રે...

ગોકુળમાં તેં ગિરધારી રક્ષા કરીને ગોપીઓને ઘણાં લડાવ્યાં લાડ

તેમ મહેતાજીની આશા પૂરો રે અબળા માનું તમારો રે પાડ.

મારા જદુપતિ જાદવા રે...

જગમાં જનમીને રે, અમો ભૂલાં પડ્યાં રે તારી ભક્તિએ પામ્યાં ઠામ

બાંહ્ય ગ્રહ્યાની ફરજ તાહરી રે અમે પ્રીત કરી તમશું સુંદર શ્યામ.

મારા જદુપતિ જાદવા રે...

તમારે જગતમાં ભક્તો અનેક છે રે અમારે તો એક તમે ભગવાન

'રતનીબાઈ' કહે છે રે, પ્રભુ ! પધારીએ રે વહાલા હાર આપીને રાખો માન.

મારા જદુપતિ જાદવા રે...

સ્રોત

  • પુસ્તક : હરિજન લોક કવિઓ અને તેમનાં પદો (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : દલપત શ્રીમાળી
  • પ્રકાશક : માહિતી ખાતું
  • વર્ષ : 1970