મનવા લઈ લે લ્હાવ અમૂલ
manva lai le lhav amul
દાસ સત્તાર
Das Sattar
દાસ સત્તાર
Das Sattar
મનવા લઈ લે લ્હાવ અમૂલ,
મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ, મોંઘાં એનાં મૂલ.
ષડરિપુઓના સંગ તજીને, સેવા ભક્તિ શણગાર સજીને,
નિશદિન નામ પ્રભુનું ભજીને, પ્રેમ હિંડોળે ઝૂલ.
મિથ્યા માયામાં મન મોહ્યું, વિપરીત માર્ગે આયુષ્ય ખોયું,
મૂર્ખા પાછું ફરી નવ જોયું, એ જ છે મોટી ભૂલ.
નહીં કરવાનાં કર્મ કરીને, પાપ કમાણીએ પેટ ભરીને,
પર નારીની પ્રીત કરીને, થઈ ગયા લાખો ડૂલ.
અવસર આવો ફરી નહીં આવે, અભિમાને શીદ બાજી ગુમાવે,
‘સત્તાર શાહ’ સાચું સમજાવે, ફૂલણશી મત ફૂલ.
સ્રોત
- પુસ્તક : સત્તાર ભજનામૃત (પૃષ્ઠ ક્રમાંક 192)
- સંપાદક : પ્યારઅલી હરખજીભાઈ નિઝામી
- પ્રકાશક : શ્રી હરિહર પુસ્તકાલય
