Man tu mel juth janjal - Bhajan | RekhtaGujarati

મન તું મેલ જૂઠ જંજાળ

Man tu mel juth janjal

મનોહરદાસ નાનકડા મનોહરદાસ નાનકડા
મન તું મેલ જૂઠ જંજાળ
મનોહરદાસ નાનકડા

મન તું મેલ જૂઠ જંજાળ, માથે ભમે અચાનક કાળ.

માતપિતા દાસ સુત બંધુ, મિત્ર શિષ્ય રખવાળ;

પ્રાણ છતે સહુ સગું જણાયે, ફોગટ કરે કતાળ. મન તું૦

પ્રાણ ગયા પર પળ નવ રખાયે, ફોગટ કરે કતાળ;

બાળી જાળી ખાખ કરીને, વાંસે નાંખે વાળ. મન તું૦

કાળતણા મુખથી નવ છૂટે, જો પેસે પાતાળ;

જ્યમ આવે ત્યમ ચાલ્યો જાયે, શું બૂઢો શું બાળ. - મન તું૦

ભવસાગરમાં ચાર ખાણના, જંતુ લઘુ વિશાળ;

અગણિત પ્રગટે અગણિત મારે, કાળ પાથરી જાળ. - મન તું૦

કાળતણો જે કાળ નર હરિ, તે સાચો રખવાળ;

વેગે શરણ ગ્રહે તે હરિનું, લેશે શીઘ્ર સંભાળ. - મન તું૦

ચેત ચેત રે ચેત શીઘ્રથી, મૂકી આળપંપાળ;

‘મનોહર’ મૃત્યુ થકી મૂકાવે, ચિદ્ઘન દીનદયાળ. - મન તું૦ ,

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 739)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927