Maheto re amo madhavjina - Bhajan | RekhtaGujarati

મહેતા રે અમો માધવજીના

Maheto re amo madhavjina

નાનીબાઈ નાનીબાઈ
મહેતા રે અમો માધવજીના
નાનીબાઈ

મહેતા રે અમો માધવજીના, લખીએ એનું નામું રે;

મગ્ન રહીએ માધવ સાથે, સરે સઘળાં કામું રે. મ૦

ખાસી ખીજમત એની કરીએ, મહિનો આપે રોક રે;

વર્ણવી ચારે જોયું વિરંચી, અવર તે સર્વે ફોક રે. મ૦

જેનું નામું ફરીને જોયું, જેમ હતું તેમ સાર રે;

તત્ત્વ જાણીને તેને જીએ, ઉતારે ભવપાર રે. મ૦

સર્વ હતું તે એને સોંપ્યું, એક નામે રહીએ રે;

હૈયે રાખ્યું નામ હરિનું, બીજું કાંઈ કહીએ રે. મ૦

લેખું લખીએ લક્ષ્મીવરનું, જેમાં હાંસલ મોટું રે;

વિશ્વાસે વળગીને બેઠાં, અવર તે કહેવું ખોટું રે. મ૦

અમારે આધાર તમારો પ્રભુજી, નિરખીને ગુણ ગાઉં રે;

પ્રેમ તમારો અમારે પ્રભુજી, જેથી અમર થાઉં રે. મ૦

નામ તમારું નિર્ભય પ્રભુજી, વિસારીએ નહીં જાપો રે;

જે વિશ્વાસે તમને વળગે, તેને અમર કરી થાપો રે. મ૦

મન સાથે અમો માધવ ભજીએ, તત્ત્વ સાર તે દીઠું રે;

વળગે તેને વૈકુંઠ પમાડો, અમને લાગે મીઠું રે. મ૦

સંસારને અર્થે અવતરિયા, કરવા સર્વનું કાજ રે;

જે કોઈ આવે શર્ણ તમારે, આપો અવિચળ રાજ રે. મ૦

અમે તમારા સેવક પ્રભુજી, આવ્યાં કરી ઉલ્લાસ રે;

નાનીબાઈને ચર્ણે રાખો, પૂરો મનની આશ રે. મ૦

સ્રોત

  • પુસ્તક : નવીન કાવ્યદોહન (પૃષ્ઠ ક્રમાંક 664)
  • સંપાદક : હરિલાલ હ. મુનશી