Mahenat Karie Madhavajini - Bhajan | RekhtaGujarati

મહેનત કરીએ માધવજીની...

Mahenat Karie Madhavajini

નાનીબાઈ નાનીબાઈ
મહેનત કરીએ માધવજીની...
નાનીબાઈ

મહેનત કરીએ માધવજીની, મજૂરી ચોકખી આપે રે;

લખીને નામું એને સોંપીએ, પ્રાયશ્ચિત સઘળાં કાપે રે. મ૦

લાલ અમારે હૈડે લાગ્યો, મુનિએ ના નિપજે જેહ રે;

દર્શનમાં દયા ઘણી મારી, લીલી કીધી દેહ રે. મ૦

આપે મહિનો આવીને પોતે, શબ્દ તણો જે પાસ રે;

રૂપીઆ તો રૂદેમાં રાખ્યા, ટાળ્યા જમના ત્રાસ રે. મ૦

માધવજી શાહુકાર અમારો, કરીએ ચાકરી તેની રે;

સારસની પેઠે બેઠો પોષે, કાસળ કાઢે સહુની રે. મ૦

અમો ચાકર તમારાં પ્રભુજી, મહિનો આપજો સારો રે,

મારે શેઠ તમો શામળીઆ, ભવને પાર ઉતારો રે. મ૦

એટલા માટે મહેનત માગું, ચોરાશી ફેરા ટાળો રે;

નાનીબાઈની મજૂરી એવી, મનવાંચ્છિત ફળ આલો રે. મ૦

સ્રોત

  • પુસ્તક : નવીન કાવ્યદોહન (પૃષ્ઠ ક્રમાંક 665)
  • સંપાદક : હરિલાલ હ. મુનશી