મહાવન મોરલી રે હો વાગી
Mahavan morli re ho vagi
મીઠો
Mitho
મીઠો
Mitho
મહાવન મોરલી રે હો વાગી, હું તો સૂતી ઝબકી જાગી... મહાવન૦
અતિ રંગ ઉપજ્યો રે હો મનમાં, અમર પહેરી ચાલ્યા વનમાં... મહાવન૦
કંઈ કંઈ વાર્યા રે હો કંથે, પિયુજીને મળવા ચાલ્યા પંથે... મહાવન૦
હેતે પ્રીતે હરશું રે હો ફરશું, હવે કેમ પાછાં પગલાં ભરશું... મહાવન૦
નાથ અમારો રે હો લાજે, વા'લો મારો ગોકુળિયામાં ગાજે... મહાવન૦
તન મન જાય તો રે હો જાજો, કાન મોહનના રે ગુણ ગાજો... મહાવન૦
અવસર ન આવે ફરીને, કહો, સખી, ક્યારે ભજશું હરિને... મહાવન૦
દાસ ‘મીઠા’ના રે હો સ્વામી, તન, મન, સોંપ્યાં અંતરજામી... મહાવન૦
સ્રોત
- પુસ્તક : વંદનીય મુસ્લિમ સંત-કવિઓ (પૃષ્ઠ ક્રમાંક 87)
- સંપાદક : નૌતમભાઈ કે. દવે
- પ્રકાશક : શ્રી નારસિંહ પઢિયાર ચેરિટેબલ ટ્રસ્ટ
- વર્ષ : 2008
