
મારું મન મોહ્યું રે શૂરવીર સાધ સે
હાં રે હાં, જેને રુદિયે વસ્યા લાલ ગુંસાઈ
મારા વીરા રે!
હાલો રે ભાવે તમે હુઈ મળો રે.
સાચે દિલે કરોને ઓળખાણું
મારા વીરા રે!
તોળી કહે,
આંય્ખુંના ઉજાગરા તમે કાં કરો?
નયણે નીરખી નીરખી જુઓ!
મારા વીરા રે!
આંજણુંના આંજ્યા રે ભૂલા કાં ભમો?
હાથમાં દીવો લઈ કાં પડો કૂવે
મારા વીરા રે!
તોળી કહે,
કાલર ભૂમિમાં મત વાવીએ
અને ખાતર જોઈ જોઈ પોંખીએ
મારા વીરા રે!
જોત્યુંને અજવાળે દાન રૂડાં દીજીએં,
માણેક નમી નમી લીજે
મારા વીરા રે!
તોળી કહે,
સ્વાતી નક્ષત્રે મેહુલા વરસિયા
એની નીપજે લેજો ગોતી
મારા વીરા રે
વશિયલને અંગે વખડાં નીપજે
છીપ-મુખ નીપજે સાચાં મોતી
મારા વીરા રે!
તોળી કહે,
સાધુને ઘેર સતગુરુ પ્રોણલા
એની શી શી વગત્યું કીજે?
અંગના ઓશીકાં, દલનાં બેસણાં
પગ ધોઈ પાહોળ લીજે
મારા વીરા રે!
તોળી કહે,
મનના માનેલા મુનિવર જો મળે
દલડાની ગુંજ્યું કીજે;
જાડેજાને ઘરે તોરલ બોલિયાં,
લા'વ તો સવાયો લીજે
મારા વીરા રે!



સ્રોત
- પુસ્તક : પુરાતન જ્યોત (પૃષ્ઠ ક્રમાંક 146)
- સંપાદક : ઝવેરચંદ મેઘાણી
- પ્રકાશક : પ્રસાર, ભાવનગર
- વર્ષ : 1962
- આવૃત્તિ : પુનર્મુદ્રણ