લાગે પ્રેમ પ્રીતનો રંગ
Lage prem prtino rang
ગેમલદાસ
Gemaldaas
ગેમલદાસ
Gemaldaas
લાગે પ્રેમ પ્રીતનો રંગ, ટાળ્યો તે તો નહિ ટળે રે,
દ્વેષી દુર્જન લોક, રીસે તે તો બળે રે.
મારા શિર પર છબીલાની છાપ, ભવોભવ રહેજો રે;
હરિના દાસના દાસનો દાસ, મને નિત્ય કહેજો રે.
હરિ સંત સેવતાં મેણું, બેસશે તો સહીશું રે;
હરિ સદ્દગુરુ મળે એક, તેના થઈ રહીશું રે.
ભજતા જાયે ભલે લાજ, તો હવડાં જાજો રે;
ગુરુ ગમે ‘ગેમલજી’ કહે, ગુણ ગોવિંદના ગાજો રે.
હરિ સંત સ્વરૂપી ઝાઝ, તેમાં જે કોઈ બેસે રે;
તેને લઈને ઉતારે ભવપાર, ‘ગેમલજી’ કહે છે રે.
સ્રોત
- પુસ્તક : બૃહત્ કાવ્યદોહન ભાગ ૮ (પૃષ્ઠ ક્રમાંક 742)
- સંપાદક : ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ
- પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ
- વર્ષ : 1913
