કુહાડે કાપડ ધૂવે કુશળ ક્યાંથી હોયે
Kuhade kapad dhue kushal kyathi hoy
ઈશ્વર બારોટ
Ishwar Barot
ઈશ્વર બારોટ
Ishwar Barot
કુહાડે કાપડ ધૂવે કુશળ ક્યાંથી હોયે રામ;
અધર્મ કેરા ચાલનારા ઓધર્યા ન કોઈ રામ.
ઊગિયા સૂરજ ભાણ, નવે ખંડમાં હુવા જાણ;
ગતને ગંગા મળી ને, નિત્ય કરે પરણામ રામ. - કુહાડે૦
ગાયું હંદા ગાળા છૂટા, વેદિયા વાંચે છે વેદ;
વેદિયા તો ભૂલા વેદ, ભેદિયા પાખંડ રામ – કુહાડે૦
દિયે છે કોડીનું દાન, લેખે છે મેરુ સમાન;
ઊંચાપેં ઊચેરું જુવે, હજી કેમ નાવ્યાં વિમાન રામ. – કુહાડે૦
વખાણે પોતાનું આપ, સાધુ સંતને દે સંતાપ;
પુન્ય તો પરગા ચાલે, ગુપ્ત ચાલે પાપ રામ – કુહાડે૦
મુખેથી મીઠેરું બોલે, વાતડિયે બ્રહ્માંડ ડોલે;
સુડલે સારંગપાણિ, પાંજરે બોલે રામ – કુહાડે૦
માથાનો મોટેરો કોસ, કરમ માથે શ્યાનો રોષ;
બોલિયા ‘ઈશ્વર બારોટ’, જમને શો દેવો દોષ. – કુહાડે૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 29)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
