રૂપાંબાઈ
Rupabai
કૃપા કરો પ્રભુજી તમો, જી રે હું બલિહારી જાઉં;
તમારા પ્રાગટ્ય તણી, રે જન્મલીલા ગાઉં. કૃપા૦
ઉત્તમ સુદિ સાતમ ભલી, જી રે ધન્ય ધન્ય માગસર માસ;
શ્રી વિઠ્ઠલગૃહ પધારીને જી રે પૂરી મનની આશ. કૃપા૦
પ્રયાગ મધ્યે પ્રગટિયા, જી રે એહ અલૌકિક રૂપ;
સેવકજન સુખ પામિયાં, જી રે શ્રીવ્રજપતિ શ્રીગોકુલભૂપ. કૃપા૦
ભક્તિ મારગ રાખવા, જી રે કરવા તે મોટાં કાજ;
દામોદર દાસીએ એમ જણાવિયું, ભાગ્ય હમારાં આજ. કૃપા૦
પૂરણ પુરુષોત્તમ પ્રગટિયા, જી રે ધન્ય ધન્ય શ્રીરુકમિણી માત;
કૃષ્ણદાસીએ એમ જણાવ્યું, ‘આયો મેરો શ્રીગોકુલનાથ.’ કૃપા૦
શ્રીશોભાજી સુખ પામિયાં જી રે ઉલટ અંગ ન માય;
અચરજ દીઠું અતિઘણું, વચને કહ્યું એ ન જાય. કૃપા૦
કમલલોચનની છબી, જી રે અંગંગ કોટિ પ્રકાશ;
મંગલ ગાયે મોદશું, જી રે પૂરી મનની આશ. કૃપા૦
સુંદર શોભા મારા નાથની, જી રે નીરખતાં નેન ન અઘાય;
જી રે વદનકમલ નિહાળીને, જનની બલિ બલિ જાય. કૃપા૦
જુવતી જૂથ ટોળે મળી, હૈયલડે.હરખ ન માય,
રાણી રુકમિણીજીના લાલને, સહુ કો વધાવાને જાય. કૃપા૦
જેજેકાર ત્રિલોકમાં રે, ઘેર ઘેર ઉત્સવ થાય;
જે દિવસથી પ્રગટ હવા, જી રે શ્રીગોકુલનો રે રાય. કૃપા૦
વેગે તે આવી વધામણી, જી રે શ્રીવિઠ્ઠલજી છે ત્યાંહ,
આનંદસાગર ઉલટ્યો, રે શ્રીગોવર્ધન માંહ્ય. કૃપા૦
દેવે દુંદુભિ બજાવિયાં, જી રે ગાજ્યું શ્રીગોકુલ ગામ;
પુષ્પની વૃષ્ટિ અમર કરે, જી રે પોતાને નિજ ધામ. કૃપા૦
ગુસાંઈજી પધારીઆ, જી રે જોયું શ્રીમુખ એહ;
શ્રીવલ્લભ પોતાતણું, નામ નિરૂપ્યું તેહ. કૃપા૦
ગૌદાન દીધાં અતિઘણાં રે, વિધવિધનાં જેહ;
સુત પ્રગટ હવો અભિનવો, જી રે હર્ષે ફૂલ્યા દેહ. કૃપા૦
જેજે શ્રીગોકુલનાથ, જી રે વિચાર્યું મન રાજ;
કળિજુગમાં કરુણા કરી, જી રે ભાગ્ય હમારાં આજ. કૃપા૦
કારણ કોટિ અનેક એનાં, જી રે નિગમ ન જાણે પાર;
નવલ નાગર પ્રગટિયા, જી રે ભક્ત તણો આધાર. કૃપા૦
સજ્જન સહુ સુખ પામિયા, જી રે નિરખ્યા શ્રીવિઠ્ઠલનંદ;
રૂપાંબાઈ ચરણે નમે, જી રે અવિચળ શ્રીગોકુલચંદ. કૃપા૦
સ્રોત
- પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 284)
- સંપાદક : પૂનમચંદ સાં. દોશી
- વર્ષ : 1961
