ક્રોધે તો કીધો કાળો કેર રે
Krodhe to kidho kalo ker re
ગણપતરામ
Ganpatram
ગણપતરામ
Ganpatram
ક્રોધે તો કીધો કાળો કેર રે, વહાલામાં વધાર્યું વેર.
ક્રોધ ચંડાળ કેવો, અડે અભડાય એવો;
પાપીની કોઈ પ્રીછે નહીં પેર રે, વહાલામાં વધાર્યું વેર.
વિશ્વામિત્ર ઋષિ વારુ, કર્યું તપ સૌથી સારું;
માર્યા સો બ્રાહ્મણ ના’વી મહેર રે, વહાલામાં વધાર્યું વેર.
ક્રોધ દુર્વાસાએ કીધો, દયાળુને શાપ દીધો;
ગયા’તા અંબરીષને ઘેર રે, વહાલામાં વધાર્યું વેર.
પ્રગટ્યા સ્થંભમાં પોતે, વહારે ચઢ્યા જીવન જોતે;
કર્યો જ્યારે હિરણ્યાકશ્યપે કેર રે, વહાલામાં વધાર્યું વેર.
ધારે જાવું અક્ષરધામે, ગાયું એમ ‘ગણપતરામે’;
મોહનજી મનનાં લાવે મહેર રે, વહાલામાં વધાર્યું વેર.
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 78)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
