Koi Sodhi lave mara nath ne - Bhajan | RekhtaGujarati

કોઈ શોધી લાવે મારા નાથને

Koi Sodhi lave mara nath ne

રણછોડ રણછોડ
કોઈ શોધી લાવે મારા નાથને
રણછોડ

કોઈ શોધ લાવે મારા નાથને, તેને નવનિધ આપું;

મોતીડે વધાવું તેહને, કષ્ટ કોડેથી કાપું !

સખી કોઈ સમજાવીને, ઘેર તેડી રે લાવે;

કઠણ હૈયાના કાનજી, સંદેશો કહાવે ! કોઈ૦

કોઈ ગુણવંતી ગોરડી, પ્રીતમજીને પૂછે;

શા માટે રિસાઈ ગયા? તેનું કારણ શું છે? કોઈ૦

મુજને મૂકીને જોગી થયા, કે કોઈએ ભરમાવ્યા?

કોને ભરોસે મૂકી ગયા? હજુ ઘેર આવ્યા. કોઈ૦

કાંઈ સમજણ પડતી નથી, રહું નિત્ય ઉદાસી;

વસમું લાગે મુંને વિઠ્ઠલા, મથુરાના રે વાસી. કોઈ૦

અનેક અપરાધ ક્ષમા કીજીએ, કહું છું શિર નામી;

વા’લમાં વે'લા આવજો, ‘રણછાડ’ના સ્વામી ! કોઈ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 657)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963