khetar khante kheDo - Bhajan | RekhtaGujarati

ખેતર ખાંતે ખેડો

khetar khante kheDo

અભરામ બાવા અભરામ બાવા
ખેતર ખાંતે ખેડો
અભરામ બાવા

કાયા ખેતર ખાંતે ખેડો, મારા સાહેબે સામું જોયું રે.

નુરત–સુરત બે ધોરી બનાવ્યા, જુગતે જોતર વાળી રે,

આતમરામ માંહી હાળી બન્યા છે, ખેતર લેવા ખેડી રે.

કાયા ખેતર ખાંતે ખેડો...

આપો અહંકાર માંહે ઠૂંઠાં ઘણેરાં, માહે છે જૂઠનું જાળું રે,

મારા ઘટમાં જ્ઞાન કોદાળો, મૂળ મહીંથી કાઢું રે.

કાયા ખેતર ખાંતે ખેડો...

કુબુદ્ધિ કચરો કરસણ ચૂસે, તેને નીંદી કઢાવો રે,

દિલની દાતરડી વ્હાલા સતની મજૂરી, એમ કરી ખેતર નીંદાવો રે.

કાયા ખેતર ખાંતે ખેડો...

પાંચ છીંકારા ને પચ્ચીસ હરણી, નિત્ય ઊઠી ચરી જાય રે,

ચેતન કેરી વાડ ચોફેર નંખાવો, ફાંફાં મારી જાય રે.

કાયા ખેતર ખાંતે ખેડો...

ખેતરને બોંતેર છીંડાં, કયે છીંડે જઈ ઠરશો રે,

સ્હેજ પંથનો પાર મૈં આવે, ભવસાગર કેમ તરશો રે.

કાયા ખેતર ખાંતે ખેડો...

કહે ‘અભરામ' સતગુરુ પ્રતાપે, ખેતર ભરેલું પાક્યું રે,

જે કોઈ ભાવ ધરીને માગે, તેને ઉલેચીને આપ્યું રે.

કાયા ખેતર ખાંતે ખેડો...

સ્રોત

  • પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સંપાદક : ફારૂક શાહ
  • પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
  • વર્ષ : 2009