kaya nagarna kotman - Bhajan | RekhtaGujarati

કાયા નગરના કોટમાં

kaya nagarna kotman

કાજી અનવર મિયાં કાજી અનવર મિયાં
કાયા નગરના કોટમાં
કાજી અનવર મિયાં

કાયા નગરના કોટમાં, જે કોઈ ધ્યાન લગાવે જી,

અંતર ખોજે આપનું, સત સ્વામીને પાવે જી... કાયા૦

પંથ ધર્મ ને જાત્રા, પાઠ પૂજા ને પોથી જી,

ઝગડા સંસારના, તેમાં જન્મ ગુમાવે જી... કાયા૦

મરવા રે પહેલાં જે મરે, કોઈની ગણતરી રાખે જી,

સર્વેનો નાશ નિશ્ચે કરે, તે નર જ્ઞાની કહાવે જી... કાયા૦

એક વિના બીજું જે જુએ, તેનો ફોગટ ફેરો જી,

દોઈતા અજ્ઞાનતા, એનો પાર આવે જી... કાયા૦

એક એક જે કોઈ જુએ, બીજું નામ જાણે જી,

આપ વિસારે આપને, આપોઆપ હો જાવે જી... કાયા૦

પાંચ પચીસ ચોર વશ કરો, પૂજા પુસ્તક મેલો જી,

સદ્‌ગુરુના પાયે નમો, તમને જ્ઞાન બતાવે જી... કાયા૦

એટલો અર્થ જે નિશ્ચે કરે, સોઈ સદ્‌ગુરુ અમારો જી,

દાસ ‘જ્ઞાની’ એમ આપના મનને સમજાવે જી... કાયા૦

રસપ્રદ તથ્યો

આ ભજન દુનિયાની વ્યવહારની જંજાળ મિથ્યા જણાવી બ્રહ્મસ્વરૂપ સમજાવે છે. અહીં દોઈતાનો અર્થ દ્વૈત છે.

સ્રોત

  • પુસ્તક : અનવર કાવ્ય (ગુલશને ખુશી)
  • સંપાદક : શેઠ હઠીસંગ ચુનીલાલ
  • પ્રકાશક : શ્રી હરિહર પુસ્તકાલય, સુરત