karo divado - Bhajan | RekhtaGujarati

કરો દીવડો

karo divado

સરવણ કાપડી સરવણ કાપડી
કરો દીવડો
સરવણ કાપડી

દલ ખોજીને કરો દીવડો હો જી રે,

ખોલીને સુંદર શરીર મોરા વીરા રે.

ભજન ભેળા રે અજરા જરે હો જી,

તા કું નિબેડી ભ્રાંત મોરા વીરા રે,

જનમ પહેલાં પિયાલા પીધા જી.

કાયાનગરમાં હાટડાં રે જી,

વસ્તુ ભરી અમૂલ્ય, મોરા વીરા રે,

સુગરા નર હોય તે સાટવે રે જી,

નુગરા જાય નરાશ, મોરા વીરા રે.

કાયાનગરમાં આંબલો હો જી,

કોયલ કરે રે કિલોળ, મોરા વીરા રે,

કોયલ, તારા શબદ સોયામણા,

ઊડી ઊડી લાગે મોરે અંગ, મોરા વીરા રે.

ધોબી રે ધુવે રે વાંકા ધોતિયા રે જી,

સતગુરુ ધોવે મનના મેલ, મોરા વીરા રે,

વણ સાબુ ને વણ પાણીએ

ધોયો મારી કાયાનગરીનો મેલ, મોરા વીરા રે.

શિરને સાટે વાલો સાયબો રે જી,

કીધો મોંઘે મૂલ, મોરા વીરા રે,

ગુરુ ‘સરવણ’ એમ બોલિયા,

સાધુડાને મોઢડે નૂર, મોરા વીરા રે.

જનમ પહેલાં પિયાલા પીધા જી.

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 127)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991