Karm Tana Falama shu atakyo - Bhajan | RekhtaGujarati

કર્મ તણા ફળમાં શું અટકયો

Karm Tana Falama shu atakyo

ડોસા ભગત ડોસા ભગત
કર્મ તણા ફળમાં શું અટકયો
ડોસા ભગત

કર્મ તણા ફળમાં શું અટકયો, અંતે છે દુઃખદાઈ રે;

બ્રહ્મ વિચાર નિમિષભર કરતાં, તે ફળ સે'જ સુહાઈ રે.

પ્રાપ્ત થવાનું જે ફળ ધારે, અડસઠ તીરથ નાઈ રે;

ક્ષણભર આત્મવિચાર તણું ફળ, સહસ્ત્રગણું સુખદાઈ રે. કર્મ તણા૦

પૃથ્વીદાન થકી વધતું ફળ, તત્ત્વવિચારનું ભાઈ રે;

ગીતામાં પણ કહી ગયા છે, શ્રીપતિ મુખથી ગાઈ રે. કર્મ તણા૦

અશ્વમેધ શત યજ્ઞ કર્યેથી, સ્વર્ગલોકમાં જાઈ રે;

ક્ષીણે પુણ્યે મૃત્યુલોકે, પાછો ત્યાંનો ત્યાંઈ રે. કર્મ તણા૦

આત્મવિચાર ઘડીભર કરવા, મનની કરી સ્થિરતાઈ રે;

તે ફળથી તુજ પિતૃ ઉદ્ધરશે, સ્વર્ગલોકની માહીં રે. કર્મ તણા૦

વેદ વચન ગુરુમુખે સુણીને, ધારે અંતરમાહીં રે;

વિશ્વનાથ ગુરુ પ્રસાદ ‘ડોસા’, અનહદ કીન કમાઈ રે. કર્મ તણા૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 205)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927