મુકુંદ
Mukund
કપોતીની કહે છે રે, કંથ મારું કહ્યું કરો,
સીંચાણો ભમે છે રે, પારધીએ બાણ ભર્યો.
અહીંથી ઊડી જઈએ અળગાં, રહીએ આ દેશ તજી પરદેશ,
બ્રહ્મ વચન પિયુ મારું રે માનો, લાજ નથી લવલેશ,
પ્રમાદ મૂકો રે, રાંક વેણ હૃદે ધરો. કપોતીની૦
કપોત કંથ કહે કાયર કામિની, હેનાર પદારથ હશે,
શત્રુ સાલ સહજ ટળશે, કર્તારનું કહ્યું થશે.
હૃદે ધીર રાખો રે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ ઉચરો. કપોતીની૦
જીવ જામો જ્યારે ઘડ્યો ગોવિંદે, પડ્યો અંક પ્રમાણ,
ડગમગાટ તમે દિલથી ટાળી, સ્મરો સારંગપાણ;
ચિંતન રાખો રે, દિલથી ન ડરો ડરો. કપોતીની૦
અહીં ડસ્યો પારધીને પાયે, છૂટ્યો બાણ તે વાર,
સીંચાણાનું શિર છેદાયું, એવી કૃષ્ણ કરણી કર્તાર,
ભાવે ગુણ ભાખો રે, દિલથી ન ડરો ડરો. કપોતીની૦
તન તરુવર પ્રાણ પંખીડો, નિવૃત્તિ પ્રવૃત્તિ નાર,
અહંકાર અહીં ને જરા પારધી, ક્રોધ સીંચાણો નિવાર;
‘મુકુંદ’ મધુસૂદન રે, પલક ન રાખો ૫રો. કપોતીની૦
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 102)
- સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
- પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
- વર્ષ : 1922
