કંસ તારો વેરી સાચા સંતનો ઝવેરી રે જેલમાં જનમિયો
Kans taro veri sacha santno jhaveri re jelma janamiyo
પુરુષોત્તમ
Purushottam
પુરુષોત્તમ
Purushottam
કંસ ! તારો વેરી, સાચા સંતોનો ઝવેરી રે,
જેલમાં જનમિયો રાજા કંસ ! તારો વેરી…૦
કાળી કાળી રાત અંધેરી, બે પુરે જમના ગહેરી,
વાસુદેવ ગોકુળ ચાલ્યા, કનૈયાને તેડી… રે…
- જેલમાં જનમિયો રાજા કંસ ! તારો વેરી…૦
જેલમાં જઈને કંસે, બેન દેવકીને કનેડી,
ઊડી ગઈ માયા રૂપી, વીજળી વેલેરી... રે...
- જેલમાં જનમિયો રાજા કંસ ! તારો વેરી…૦
ઝુલાવે જસોદા માડી, ઝૂલે નંદલાલો લહેરી,
આભેથી વરસાવે દેવત, ફુલડાં સોનેરી... રે...
- જેલમાં જનમિયો રાજા કંસ ! તારો વેરી…૦
માસીબાને ખોળે ખેલી, નાખ્યા છે ખંખેરી,
જમનામાં કૂદી કાનુડે, નાગ નાથ્યો ઝેરી... રે...
- જેલમાં જનમિયો રાજા કંસ ! તારો વેરી…૦
ઇન્દ્રનું અભિમાન ટાળ્યું, ગોવર્ધન હેરી,
અસૂરો અપાર માર્યા, લીલા છે અનેરી... રે...
- જેલમાં જનમિયો રાજા કંસ ! તારો વેરી…૦
સેવકના સંકટ ટાળ્યાં, જેની ભાવના ભલેરી,
પુરૂષોત્તમના પ્રભુએ નાખ્યો, કંસને વધેરી... રે....
- જેલમાં જનમિયો રાજા કંસ ! તારો વેરી....૦
સ્રોત
- પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય ખંડ ૧ (પૃષ્ઠ ક્રમાંક 39)
- સંપાદક : નિરંજન રાજ્યગુરુ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2023
