Kanji tari ma keshe pan - Bhajan | RekhtaGujarati

કાનજી તારી મા કે’શે પણ અમે

Kanji tari ma keshe pan

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
કાનજી તારી મા કે’શે પણ અમે
નરસિંહ મહેતા

કાનજી તારી મા કે’શે પણ અમે કાનુડો કે’શું રે...

એટલું કહેતાં નહીં માને તો, ગોકુળ મેલી દેશું ફરે...

કાનજી તારી મા કે’શે પણ અમે કાનુડો કે’શું રે...

માખણ ખાતાં આવડે કાના ! મુખ થયું તારું એંઠુ રે...

ગોપીઓએ તારું ઘર ઘેરાણુ જઈ ખુણામાં પેઠું રે...

કાનજી તારી મા કે’શે પણ અમે કાનુડો કે’શું રે...

ઝુલણી પે’રતાં આવડે કાના ! અમે તુંને પહેરાવતાં રે...

ભરવાડોની ગાળ ખાતો તે દિ’, અમે તુંને છોડાવતાં રે...

કાનજી તારી મા કે’શે પણ અમે કાનુડો કે’શું રે...

કાલો ઘેલો તારા માતા-પિતાનો અમને શાના કોડ રે?

કર્મ સંજોગે આવી ભરાણાં, આંગણાં જોડાજોડ રે...

કાનજી તારી મા કે’શે પણ અમે કાનુડો કે’શું રે...

ઘૂંટણિયા ભેર હાલતો ચાલતો, બોલતો કાલું ઘેલું રે...

ભલે મળ્યા ‘મેતા નરસૈં’ના સ્વામી, પ્રેમ ભક્તિમાં રેલ’શું રે...

કાનજી તારી મા કે’શે પણ અમે કાનુડો કે’શું રે...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય : ખંડ 2 (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2023