કળિયુગનું કારણ આગળ એવું થશે રે
kaliyug nu karan aagal evu thashe re
ગણપતરામ
Ganpatram
ગણપતરામ
Ganpatram
કળિયુગનું કારણ આગળ એવું થશે રે.
ગંગા, ગીતા ને ગાયત્રી, વણિક વિપ્ર ને ખરા જે ક્ષત્રી;
પ્રેમદા નહિ પવિત્રી, સત્ય સહુનાં જશે રે. કળિજુગનું૦
જતી, સતી, સંન્યાસી, જોગી, ભવમાં સહુ માયાના ભોગી;
રાય રંક ને રેગી વેરે સહુ વસે રે. કળિજુગનું૦
ઊંચ નીચ એકે આરે, ધાક ધણીની સ્ત્રી નહિ ધારે;
કોઈ કોઈ ન વારે હોનારું હશે રે. કળિજુગનું૦
પાખંડીને સરવે પૂજે, સાચાની સંગત નહિ સૂઝે;
ધરા અધર મેં ધ્રૂજે જે કંઈ જન કંપશે રે. કળિજુગનું૦
ભવમાં ચઢિયો જૂઠે ભામે, પંથ પ્રભુને એ નહિ પામે;
ગાયું ‘ગણપતરામે’ ફંદે શું ફસે રે? કળિજુગનું૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 82)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
