kai karne vichar - Bhajan | RekhtaGujarati

કાંઈ કરને વિચાર

kai karne vichar

ગણપતરામ ગણપતરામ
કાંઈ કરને વિચાર
ગણપતરામ

કાંઈ કરને વિચાર, આવ્યો ક્યાંથી જીવડા ને ક્યાં જાવું?

તારું તું જ તપાસ, લાવ્યો શું ને સાથે શું લેઈ જાવું?

માયા છે મોહનની નારી, તેને મૂરખ માને છે મારી;

તન તૂટે ફજેતી છે તારી. કાંઈ કરને વિચાર૦

પ્રાણી પંચવિષય તુજને ભાવે, વળી જગત પદારથ જે કહાવે;

એ અંતે ભેળા નહીં આવે. કાંઈ કરને વિચાર૦

ધન નારી વિષે મનડું જાવે, તે સ્વારથિયાં સઘળાં કહાવે;

એ અંતે ભેળાં નહીં આવે. કાંઈ કરને વિચાર૦

કોટી જન્મ લગી ધરી તેં કાયા, તોયે છૂટી નહીં જગની માયા;

વળી વહેમ વિષે લેગે વાહ્યા. કાંઈ કરને વિચાર૦

દીસે મૃગજળ-તૃષ્ણા બહુ ભારી, વપુ પીવાનું તે નહીં વારિ;

કહે ‘ગણપત’ ભજને ગિરિધારી. કાંઈ કરને વિચાર૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 106)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963