ભાણદાસ
Bhandas
જોનિં યોગમાયા ગરબુ રમિ, તે તું કરતી અત્ય કલોલ;
ત્યાં કુંકુમ કેસર કસ્તૂરી વલી રંગ તણા બહુ રોલ.
જોનિં યોગમાયા૦
પારજાતનાં પુષ્પ ઘણાં ત્યાંહાં સૂકડિ અગર અબીર;
વલી ગાંન ગાવિ ગોવિંદ તણાં, ત્યાંહાં ગાજિ સબદ ગંભીર.
જોનિં યોગમાયા૦
ત્યાંહાં અઠોતર સુ વારાહી મલી રંગભરિ ખેલી રાસ;
ત્યાંહાં છપન કોડિ મલી, ચામુંડા જાંણે સૂર્ય કોટિ પ્રકાસ.
જોનિં યોગમાયા૦
ન્યાંહાં નવ કોટિ મલી કાલિકા, તે મહામોટી મહામાય;
ન્યાં બ્રહ્માણી ઇંદ્રાણી આવ્યાં રૂદ્રાંણી ગુણ ગાય.
જોનિં યોગમાયા૦
પંચરંગ પટુલાં પિહિરણિ ચરણા ચોલી ચીર;
ત્યાંહાં શ્વેત પીત નિ રાતડાં, વલી ભાતિ ભાતિનાં હીર,
જોનિં યોગમાયા૦
ત્યાંહાં વિંછીયડા વાજિં ઘણા વલી ઝાંઝરનું ઝમકાર;
ત્યાંહાં ધમધમ વાજિ ધૂંધરડી તેહનિ મુગતાફલના હાર.
જોનિં યોગમાયા૦
તેહની ચુહુ કંકણ મુદ્રિકા વલી સીસરાષડી કુલ;
તેહની નીલવટિ શોભિ ચાંદલુ, ઝાલિ તણું નહિ મૂલ.
જોનિં યોગમાયા૦
ત્રણ્યિ ભુવન માંહિ રમિ, તે ગાજી રહ્યું બ્રહ્માંડ;
તેણિ સાત દીપ સોભી રહ્યા, વલી સોભી રહ્યા નવખંડ.
જોનિં યોગમાયા૦
નવ દાઢા નવ રાત્ય રમ્યાં, તેણિ હઇડિ હરષ ન માય;
પછિ પોતાની આશ્રમ્ય ગયાં, તેહના ‘ભાણદાસ’ ગુણ ગાય.
જોનિં યોગમાયા૦
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 58)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
