Joban sasla jash shvane jo gheriyo - Bhajan | RekhtaGujarati

જોબન સસલો જશ શ્વાને જો ઘેરિયો

Joban sasla jash shvane jo gheriyo

કૃષ્ણદાસ કૃષ્ણદાસ
જોબન સસલો જશ શ્વાને જો ઘેરિયો
કૃષ્ણદાસ

જોબન સસલો જશ શ્વાને જો ઘેરિયો,

(તોય) સાધન કરવા મન ના માને મૂઢ જો?

કાલ આહિર તે પૂંઠે આવે મલપતો,

જમડા ભમરા વૈરી તારા પ્રૌઢ જો. જોબન૦

આવી પહોંચે અચેત લાગે ચેતવા,

દવ લાગ્યો તવ કૂપ ખણવા જાય જો;

ચોરો ચોરી ધન સઘળું લઈ ગયા,

જાગીને ૫છી દીપ કરે શું થાય જો. જોબન૦

પહેલી પાળ બાંધી પચ્છમ બુદ્ધિએ,

અવસર ચૂકે હાથ ઘસે શું થાય જો?

ઝાંઝવે તરસ છીપે બેઠે આશથી,

ઉશનાં મોતી કામ આવે કાંય જો. જોબન૦

ત્રિવિધ તા૫ ને લક્ષ ચોરાશી ૫રજલે,

હરિ ભજ્યા વિણ જાય દારુણ રોગ જો;

કૃષ્ણજી કેવળ રામને ભજિયે ભાવ-શું,

ફરી આવે મનસા દેહી જોગ જો. જોબન૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963