ઝુલડી ક્યાંય વિસારી
Jhuladi kyay visari
ભાલણ
Bhalan
ભાલણ
Bhalan
ઝુલડી ક્યાંય વિસારી, ઝુલડી ક્યાંય વિસારી ?
તમે કહો રઘુબા રામા, છો સંત તણા સુખધામા.
જુગતે પેરાવી ઝુલડી, મૈયા ગઈ નિજ ધામ;
અનુચર એક ઉનાતો આવ્યો, ઝુલડી શોધે રામ.
આગળ પાછળ હીરા જડિયા વચ્ચે માણેક મોતી;
કરમાં લીધો દીવડો ને હીંડે કૌશલ્યા જોતી.
સોના કેરી સોય મંગાવું, રૂપા કેરા ધાગા;
એ ઝુલડી શીવવાને નવલખ દરજી લાગ્યા.
સમજાવ્યો સમજે નહિ શામો, કહ્યું ન માને કાલો;
રોઈ રોઈને જુલમ કરે, કોઈને જડી જ હોય તો આલો.
રોતા રહીને કહે રાઘવજી, જોડીને બે હાથ;
રાજહંસને મ્હેં હોરાડી, ઊડી ગયો આકાશ.
ગિરિ ગહ્વર ગુફાઓ જોઈ, જોયાં ઝાડેઝાડ;
વશિષ્ટનો શિષ્ય લાવ્યો ઝુલડી, રામે છોડી રાડ.
મુખડું જોઈને માતા કહે છે, અકળિત આ કુમાર;
ભાલણપ્રભુ રઘુનાથ મારો મુક્તિનો દાતાર.
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 15)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
