
જેસલ કરી લે વિચાર,
માથે જમ કેરો માર,
સપના જેવો છે સંસાર
રાણી કરે છે પોકાર
આવોને જેસલરાય!
આપણ પ્રેમ થકી મળીએં જી
પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએં જી!
આવ્યો અમૂલખ અવતાર
માથે સતગુરુ અવતાર
જાવું ધણીને દુવાર
કાયા બેડી ઉતારે ભવપાર
આવોને જેસલરાય. — આપણ૦
ગુરુના ગુણનો નહીં પાર
ભગતી છે ખાંડાની ધાર
નૂગરા કરી જાણે સંસાર
એનો એળે જાય અવતાર
આવોને જેસલરાય. — આપણ૦
જીવની ગતિ ગુરુની પાસ
જેવી કસ્તૂરીમાં વાસ
ધણી તારા નામનો વિશ્વાસ
સેવકોની પૂરો હવે આશ
આવોને જેસલરાય.— આપણ૦
છીપું સમુંદરમાં થાય
તેનીયું સફળ કમાઈ
સ્વાતના મેહુલા વરસાય
ત્યારે સાચાં મોતીડાં બંધાય
આવોને જેસલરાય. — આપણ૦
મોતીડાં એરણમાં ઓતરાય
માથે ઘણ કેરા ઘાય
ફૂટે તે ફટકિયાં કે'વાય
ખરાની ખળે ખબરું થાય
આવોને જેસલરાય. — આપણ૦
ચાંદોસૂરજ વસે છે આકાશ
નવલખ તારા તેની પાસ
પવન પાણી ને પરકાશ
સૌ લોક કરે તેની આશ
આવોને જેસલરાય. — આપણ૦
નવ લાખ કોથળિયું બંધાય
તે તો ગાંધીડો કે'વાય
હીરામાણેક હાટોડે વેચાય
તે દી એનાં મૂલ મોંઘાં થાય
આવોને જેસલરાય. — આપણ૦
નત્ય નત્ય ઊઠી નાવા જાય
કોયલા ઊજળા ન થાય
ગુણિકાને બેટડો જો થાય
બાપ કેને કે'વાને જાય
આવોને જેસલરાય. — આપણ૦
પ્રેમના પાટ પ્રેમની થાટ
ઝળહળ જ્યોતુંના ઝળળાટ
આગળ નમન્યું જ્યાં થાય
આવોને જેસલરાય.— આપણ૦
મનની માંડવિયું રોપાય
તન કેરા પડદા બંધાય
જતિ સતી મળી ભેળાં થાય
સતિયુંના પંજા જ્યાં મેળાય
આવોને જેસલરાય — આપણ૦
દેખાખાદેખી કરો રે મત ભાઈ
હાથમાં દીવડીઓ દરશાય
અંતરે અંજવાળાં થાય
ચાર જુગની વાણી તોળલ ગાય
આવોને જેસલરાય.— આપણ૦



સ્રોત
- પુસ્તક : પુરાતન જ્યોત (પૃષ્ઠ ક્રમાંક 186)
- સંપાદક : ઝવેરચંદ મેઘાણી
- પ્રકાશક : પ્રસાર, ભાવનગર
- વર્ષ : 1962
- આવૃત્તિ : પુનર્મુદ્રણ