jaye thaye te wadlan - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જાયે થાયે તે વાદળાં

jaye thaye te wadlan

ગરીબદાસ ગરીબદાસ
જાયે થાયે તે વાદળાં
ગરીબદાસ

જાયે થાયે તે વાદળાં, એક વ્યોમ જેમનો તેમ,

લેપ લાગે નિરાકારમાં, સવિકાર કહીએ કેમ?

કંચન માંહી કલ્પત છે, જેમ નામ રૂપ અનેક,

આતમ સર્વે એક છે, જોતાં અન્વય ને વ્યતિરેક.

ઘન ઘટા ને રે વીજળી, વરસાદ વરસે આકાશ,

તેમ બ્રહ્માંડ પરિબ્રહ્મમાં, થાયે ઉત્પત્તિ ને નાશ.

આતમ તત્ત્વ વિચારતાં, થાયે અંતર માંહી આરામ,

દુઃખ કોઈ દરશે નહિ, શુદ્ધ સુખ તણું છે ધામ.

આકાર માંહે છે આપદા, જાતિ ગુણ ક્રિયા ને સંબંધ,

નિરગુણ માંહે લાગે નહીં, નામ રૂપ તણી કોઈ ગંધ.

દેહભાવે તો રે દાસ છે, જીવભાવથી અંશ કે’વાય,

જ્ઞાન ભાવે કરી નીરખતાં, ‘દાસ ગરીબ’ દ્વૈત વિલાય.

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનમાળા (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સર્જક : સાધુ શ્રી ગરીબદાસજી ગુરુ શ્રી ઈશ્વરદાસજી
  • પ્રકાશક : શ્રી નિવૃત્તિ સત્સંગ મંડળ, કુકમા(ભુજ-કચ્છ)
  • વર્ષ : 1976
  • આવૃત્તિ : 4