જમો જમો જગતના નાથ
Jamo jagat na nath
કૃષ્ણદાસ
Krushnadas
કૃષ્ણદાસ
Krushnadas
જમો જમો જગતના નાથ, કહું કરજોડી;
મારી આતમના આધાર, શરણ મેં તોરી. જમો૦
ગેવર ગુંદવડા દૂધપાક, જલેબી રૂડી;
માંય સાકરબુરાં સાર પેંડા ને પૂરી. જમો૦
જમો મગદળ મેતીચૂર, અને વળી ખાજાં;
માંય મીસરી માખણ દૂધ, ગોરસ છે તાજાં. જમો૦
જમો દાળ ભાત ઘૃતધાર, ગંગાજળ ઝારી;
જસોદાના જીવન કાન, ગોકુળના દાણી. જમો૦
મુખવાસ છે બીડલાં પાન, સોપારી સારી;
તમે રાધાજીના કંથ, ગોકુળ વનમાળી. જમો૦
પ્રભુ જગત જન પ્રતિપાળ, પૂરણ ભગવાના;
મુજ રંક ઉપર દિનરાત, કૃપા કર કાના. જમો૦
ગાએ ‘કૃષ્ણદાસ’ કરજોડ, અરજ ઉર ધરજો;
પ્રભુ અંતકાળ મહારાજ, સ્હાય ઝટ કરજો. જમો૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 72)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
