જમના જલ ભરવા જાતાં
Jamna jal bharva jata
વસ્તો વિશ્વંભર
Vasto Vishwambhar
વસ્તો વિશ્વંભર
Vasto Vishwambhar
જમના જળ ભરવા જાતાં મારગ મળિયા માવ,
ફાગણ ફૂલ્યો જી.
અબળા દીઠી એકલી, ભલો પડ્યો છે દાવ. ફાગણ૦
એચિંતા હરિ આવીને, નાખ્યો લાલ ગુલાલ. ફાગણ૦
તે મુખ રાતાં માતાં થયાં, લાલ કરી બેહાલ. ફાગણ૦
તે ચેાળી બંધ તૂટિયા તૂટ્યો નવસેર હાર. ફાગણ૦
પ્રેમ પટોલી લેઈને, નગ્ન કરી છે નાર. ફાગણ૦
તે વેદવંત સહુકો’ જાણે, અમ-શું કીધાં કાજ. ફાગણ૦
તે પ્રેમ દારા ઉપર કરી, લાલે તજાવી લાજ. ફાગણ૦
કા’ને તો જે જે કર્યું તે, કો’ને નવ કેહેવાય. ફાગણ૦
સહિયર કો’ સરખી મળે, તે આગળ તે થાય. ફાગણ૦
તંબોલ ભરી પીચકારીઓ, નાખી અમારે અંગ. ફાગણ૦
તે અબળાને સબળા કરી, એનો આણ્યો રંગ. ફાગણ૦
તે જોગી મુનિ અગમ કહે, સોહંગ સ્વરૂપનો ભેદ. ફાગણ૦
તે ‘વસ્તા વિશ્વંભર’ પ્રેમની, વાત ન જાણે વેદ. ફાગણ૦
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા: ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 98)
- સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
- પ્રકાશક : છગનલાલ વિદ્યારામ રાવળ
- વર્ષ : 1922
