હે કોઈ અલખ આરાધો
He Koi alakh aaradho
ધના ભગત
Dhana Bhagat
ધના ભગત
Dhana Bhagat
હે કોઈ અલખ આરાધો, હે બોલે બાવનની બહાર;
નિગમ નેતિ કહે છે વાણીની પાર રે. હે કોઈ૦
અજનાં ટોળા માંહે જ્યમ સિંહ રે બંધાય;
રાજકુંવર તો રાંકાંમાં રેળાય રે. હે કોઈ૦
પંચ ને ધાતુ હે જ્યમ પારસ ૫રસાય;
લોઢું મટીને એનું કંચન થાય રે. હે કોઈ૦
સરિતા ને સિંધુ હે જેમ સાગરમાં જાય;
લવણની પૂતળી ઉદકમાં ગળી જાય રે. હે કોઈ૦
પાંચ, સાત, નવ, દશ હે ચોવીસ ને જાણુ;
૫ચીસમો મેલીને છવીસમાને ભાળ રે. હે કોઈ૦
અનલ જનાવર હે ઇંડાં મૂકીને જાય;
વણ રે સેવ્યાં સેવાઈ આપે ઓળખાય રે. હે કોઈ૦
ચટકેલ કીડો હે જ્યમ ભમરી રે થાય;
પૂરા મળે ત્યારે પ્રભુ ઓળખાય રે. હે કોઈ૦
હરિ ગુરુ સંતની હે જેને કિરપાયું થાય;
દાસ ‘ધનો’ કે’: હીરે હરો વિંધાય રે. હે કોઈ૦
સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 163)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
