હરિને ભજતાં
Hari ne bhajta
ગેમલદાસ
Gemaldaas
ગેમલદાસ
Gemaldaas
હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે,
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે.
વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે,
વિભીષણ આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને૦
વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે,
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને૦
વહાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે,
પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે. હરિને૦
વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે,
ગુણ ગાયે ‘ગેમલ’ કર જોડ, હેતે દુઃખ હરિયાં રે. હરિને૦
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 139)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
