પ્રીતમ
Pritam
હરિભક્તની હાંસી કરે, લોક વહેવારમાં ફૂલ્યો ફરે,
ગુરુ સંત સાથે નહીં પ્રીત, કુળ કુટુંબની રાખે રીત;
કહે પ્રીતમ તે કબુદ્ધિ જીવ, ભવસાગરમાં ભમે સદૈવ.
સ્વાર્થ માંહે શૂરો ઘણો, બહુ કાયર પરમારથ તણો,
મુખે સર્વ હરિનું કહે, હરિ અર્થે કોડી ના દેય;
ડહાપણ ડોળે દિન ને રાત, કહે પ્રીતમ તે પશુની જાત.
પશુ તણી તો એક જ પેર, કો’ની નિંદા ન કરે ઘેર,
તેને જ્યાં રાખે ત્યાં રહે, સુખ દુઃખ સર્વે તે સહે;
કહે પ્રીતમ ખળ ખોટો સહી (જેને) જ્ઞાન વિવેક વિચાર જ નહીં.
મૂરખના મનમાં બહુ અહંકાર, કહ્યું ન માને એહ લગાર,
સામા ઉત્તર લાવે સહી, બ્રહ્મા સરખા કોટિક કહે;
પોતાના મત માંહી ફરે, કહે પ્રીતમ કો’ની પ્રભા ન કરે.
દિલમાં જાણે સમજ્યો સહી, સમજણ રેખ હૃદેમાં નહીં,
મનનો મેલો ચોક્ખો નથી, જ્ઞાન કથે મોટા મુનથી;
કહે પ્રીતમ શું છાલાં છડે, વંઝાને કેમ પાનો ચડે.
જીત્યું જગ્ત તે શબ્દે કરી, અવિદ્યા પોતામાં ભરી,
તે કોની કાઢી નવ જાય, (જેમ) મસાલચી અંધારે અથડાય.
કહે પ્રીતમ એ કાચું કામ, કાંઈ ન જાણે આત્મારામ.
લક્ષ વિના શું વાચિક જ્ઞાન, જેવું બગ બગલીનું ધ્યાન,
સ્વાર્થ સુધી તાકી રહે, લાગે મચ્છ ભુસાને ગ્રહે;
કહે પ્રીતમ એવા જન જેહ, કામ પડે એળખાયે તેહ.
પર નિંદામાં જે નર ૫ચે, કુટુંબ સહિત નર્કે ઘચે,
ઘણા કાળ તે પામે દુઃખ, સ્વપ્નાંતરમાં ન મળે સુખ;
કહે પ્રીતમ તે અધોગતિ જાય, વળતી પશુ પીસાચ જ થાય.
સ્રોત
- પુસ્તક : પ્રાચીન કાવ્ય સુધા ભાગ ૧ (પૃષ્ઠ ક્રમાંક 92)
- સંપાદક : છગનલાલ વિદ્યારામ રાવળ
- પ્રકાશક : રાજ્યરત્ન શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી
- વર્ષ : 1922
