Hare sang sadhu no krie - Bhajan | RekhtaGujarati

હાં રે સંગ સાધુનો કરિયે

Hare sang sadhu no krie

કૃષ્ણદાસ કૃષ્ણદાસ
હાં રે સંગ સાધુનો કરિયે
કૃષ્ણદાસ

હાં રે સંગ સાધુનો કરિયે, સાધુનો કરિયે બીજો પહરિયે

હરિચરણે ચિત્ત ઘરિયે, સંગ સાધુનો કરિયે.

આજ સમી તારી ઢાલ ઢળી છે, નરદેહ દીધી હરિયે રે. સંગ૦

સાધુસંગતમાં રમતાં ને જમતાં, ભવસાગર સુખે તરિયે રે. સંગ૦

સુત, વિત, દારા ને કુટુંબ કબીલા, દુરિજનથી દૂર ટળિયે રે. સંગ૦

જગ પાવક માંહી ૫ડીને, સિંધુ છતાં શાને બળિયે રે. સંગ૦

લાજ કાજ કુલ કારણ તજીને, શૂરા થઈ નવ ડરિયે રે. સંગ૦

માન મૂકી મહાજનને મળિયે, પાછા પગ નવ ભરિયે રે. સંગ૦

કાશી ગંગા સંત પ્રાગ છે પોતે, એની સંગત કરી ઠરિયે રે. સંગ૦

અડસઠ તીરથ સાધુને ચરણે, પ્રીતે એને અનુસરિયે રે. સંગ૦

હરિકથા હરિજન નિત બોલે, હેતે તે કાને ધરિયે રે. સંગ૦

કાને ધરી દૃઢ દિલમાંહીં ધારી, ફરી ચોરાશી નવ ફરિયે રે. સંગ૦

હરખ હૈયામાં હિંમત રાખી, વૈકુંઠનાથને વરિયે રે. સંગ૦

‘કૃષ્ણદાસ’ કે’ કૃષ્ણને પામી, ફરી જનમિયે મરિયે રે. સંગ૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 65)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963