હાંરે સંગ સાધુનો કરિયે
Hare sang sadhu no kariye
કૃષ્ણદાસ
Krushnadas
કૃષ્ણદાસ
Krushnadas
હાંરે સંગ સાધુનો કરિયે, સાધુનો કરિયે બીજો પરહરિયે;
હરિ ચરણે ચિત્ત ધરિયે. સંગ૦
આજ સમી તારી ઢાલ ઢળી છે, નરદેહ દીધી હરિયે રે. સંગ૦
સાધુ સંગતમાં રમતાં ને જમતાં, ભવસાગર સુખે તરિયે રે. સંગ૦
સુત વિત દારા ને કુટુંબ કબીલા, દુરિજનથી દૂર ટલિયે રે. સંગ૦
આ જગ પાવક માહીં પડીને, સિંધુ છતાં શાને બલિયે રે. સંગ૦
લાજ કાજ કુલ કારણ તજીને, શૂરા થઈ નવ ડરિયે રે. સંગ૦
માન મૂકી મહાજનને મલિયે, પાછા પગ નવ ભરિયે રે. સંગ૦
કાશી ગંગા સંત પ્રાગ છે પોતે, એની સંગત કરી ઠરિયે રે. સંગ૦
અડસઠ તીરથ સાધુને ચરણે, પ્રીતે એને અનુસરિયે રે. સંગ૦
હરિકથા હરિજન નિત બોલે, હેતે તે કાને ધરિયે રે. સંગ૦
કાને ધરી દ્રઢ દિલ માહીં ધારી, ફરી ચોરાશી નવ ફરિયે રે. સંગ૦
હરખ હૈયામાં હિંમત રાખી, વૈકુંઠનાથને વરિયે રે. સંગ૦
‘કૃષ્ણદાસ’ કે’ કૃષ્ણને પામી, ફરી ન જનમીએ ન મરીએ રે. સંગ૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 70)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
