હંસલો ગંગાજીમાં નાય
Hansalo Gangajima nay
હમીર
Hamir
હમીર
Hamir
મારો હંસલો ગંગાજીમાં નાય,
ગુરુજી મારા, ભૂલ્યા નર ભીંત્યુંમાં ભટકાય.
પોતાના મંદિરિયાની પ્રતીત ન પાળે ને
પારકે મંદિરિયે પૂજવા ધાય,
આડા ને અવળા મૂરખો ફેરા ફરે છે,
ઈ તો લખ રે ચોરાશીમાં જાય... ગુરુજી૦
શૂરા હોય તે તો સનમુખ રે'વે ને
કાયર કંપે રુદિયામાંય,
મૂરખ મનડાને ઘણું સમજાવું
તોયે ગાફલ ગોથાં ખાય.... ગુરુજી૦
સૂમની પેઠે મૂરખે માયા ભેળી કીધી,
નવ ખરચે, નવ ખાય,
પુનને નામે ભાઈ, પાઈ ન વાપરી,
એના મનડાને મુગતિ કયાંથી થાય!... ગુરુજી૦
મુજ પર મહેર કરી પ્રભુ પધારો તો
દાસનાં દુઃખ દૂર થાય,
ચેલાણીને ચરણે બોલ્યા હમીરો
મીઠા મીઠા અમીરસ પાય...
ગુરુજી મારા,
ભૂલ્યા નર ભીંત્યુંમાં ભટકાય.
સ્રોત
- પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 183)
- સંપાદક : મકરંદ દવે
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1991
