હાં રે વેણ વાગી
Ha re ven vagi
પ્રેમસખી પ્રેમાનંદ
Premsakhi Premanand
પ્રેમસખી પ્રેમાનંદ
Premsakhi Premanand
હાં રે વેણ વાગી રે વેણ વાગી,
હાં રે હું તો ઓચિંતાની ઝબકીને જાગી રે. વેણ૦
હાં રે મધ્યરાતે વગાડી અલબેલે,
હાં રે નંદલાલે રંગીલે રંગ છેલે રે. વેણ૦
હાં રે વહાલે મંત્ર ભણીને વજાડી,
હાં રે ભરી નિદ્રામાં સૂતી જગાડી રે. વેણ૦
હાં રે વાંસળીએ મારી પાંસળી વીંધી,
હાં રે બારે નિસરી કાળજડું છેદી રે. વેણ૦
હાં રે મારા પ્રાણ હર્યા પાતળિયે,
હાં રે હવે ક્યારે મોહનજીને મળિયે રે. વેણ૦
હાં રે ‘પ્રેમાનંદ’ કહે ઊઠી ઘેલી સરખી,
હાં રે ખૂંતી ચિત્તમાં મૂરતિ ગિરધર કી રે. વેણ૦
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 122)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
