અનુભવાનંદ
Anubhavanand
જ્ઞાન સ્વરૂપ છે આતમ સર્વદા, ભૂલ પોતાની અજ્ઞાન ભાસે,
દેહ હું, પ્રાણ હું એમ માની રહ્યો, ચિત્તથી બુદ્ધિ પર સર્વ પાસે.
હું ને મારૂં કરે, જીવ થઈને ફરે, દીન થઈ માંડી પાખાણ પૂજે,
પોતે અવળો પડી, રોઈને રડવડે, મુક્તિ માગે જ આપોપું ન સૂજે.
છે પ્રભુ એક તે શાસ્ત્રમાં સાંભળી, સેવવા લાગ્યો વિશ્વાસ આણી,
કર્મ કરી કરી ફળો અર્પતો એહને, પાપ મારું બળે એમ જાણી.
કરી કૃપા સદ્ગુરુ ઓચર્યા તે પ્રતિ, તારું સ્વરૂપ તું કાં ન જાણે ?
ભૌતિકી દેહ છે, ઈન્દ્રિયો પ્રાણ પણ, મંન ને બુદ્ધિનું સૌ પ્રમાણે.
જ્ઞાન સ્વરૂપી જે સાક્ષી છે તે સદા, તેજ તું એમ મહાવાક્ય બોલે,
એમ જો જાણ અજ્ઞાન શી વસ્તુ છે, કોઈ આવે નહીં તારે તોલે.
રૂ૫ નહીં તારૂં, સૌ ભાસતું તૂજ વડે, તું તો આકાશવત્ પૂર્ણ પોતે,
તે જ હું તે જ તું કોઈ બીજો નથી, સર્વ છે બ્રહ્મ વિચારી જોતે.
પામી ઉપદેશ એ રીતે સદગુરુ થકી, રૂપ સાક્ષાત પોતાનું પામ્યો,
નાથ ભવાન એ જ્ઞાન આપ્યું ગુરુ, જન્મ ને મરણનો ત્રાસ વામ્યો...
સ્રોત
- પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય : ખંડ 1 (પૃષ્ઠ ક્રમાંક 23)
- સંપાદક : નિરંજન રાજ્યગુરુ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, અમદાવાદ
- વર્ષ : 2023
