guru, aawo preme karun puja - Bhajan | RekhtaGujarati

ગુરુ, આવો પ્રેમે કરું પૂજા

guru, aawo preme karun puja

ગંગાદાસ મહારાજ ગંગાદાસ મહારાજ
ગુરુ, આવો પ્રેમે કરું પૂજા
ગંગાદાસ મહારાજ

ગુરુ, આવો પ્રેમે કરું પૂજા રે.

મારે તમથી રે, મારે તમથી અધિક દેવ નહિ દૂજા રે... ગુરુ૦

મેં તો પ્રેમે પુષ્પહાર ગૂંથ્યો રે, માંહે મન-મોગરો ખૂબ મૂક્યો રે,

તત્ત્વ તિલક રે, તત્ત્વ તિલક હું તો નથી ચૂક્યો રે... ગુરુ૦

ગુરુ ! ચૂક હમારી ક્ષમા કરો રે, હું તો ધ્યાન તમારું ધરી રહ્યો રે,

ગુરુજી, અખૂટ રે ગુરુજી, અખૂટ ભંડાર મારા ભર્યા રે... ગુરુ૦

ગુરુ ચાર વેદની બોલ્યા વાણી રે, તેમાંથી અક્ષર લીધો જાણી રે,

ગુરુના મુખમાં રે ગુરુના વચનમાં સુરતા સમાણી રે... ગુરુ૦

કહે ગણપતના શિષ્ય ‘ગંગાદાસ’ રે, મારે ગુરુચરણની છે આશ રે,

મને રાખો રે, મને રાખો ચરણની પાસ રે... ગુરુ૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 94)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : 3