gupat ras aa to jani lejo - Bhajan | RekhtaGujarati

ગુપત રસ આ તો જાણી લેજો

gupat ras aa to jani lejo

ગંગાસતી ગંગાસતી
ગુપત રસ આ તો જાણી લેજો
ગંગાસતી

ગુપત રસ તો જાણી લેજો, પાનબાઈ!

જેથી જાણવું રહે નહિ કાંય,

ઓઘ રે આનંદના કાયમ રહે ને,

સે'જે સંશય બધા મટી જાય... ગુપત.

ભાઈ રે! શૂરવીર થૈને સંગ્રામે ચડવું, પાનબાઈ!

માંયલું મન ફરી ઊભું થાય,

કૈવલ ભગતીને તમે એમ પામો, પાનબાઈ!

જેથી જનમ મરણ સે'જે મટી જાય... ગુપત.

પરપંચના તોડી નાખો પડળ, પાનબાઈ!

તો તો પચરંગી પાર જણાય,

જથારથ પદને જાણ્યા પછી, પાનબાઈ!

ભાવ કુભાવ મનમાં નહિ થાય... ગુપત.

ભાઈ રે! મેદાનમાં હવે મામલો મચાવો, પાનબાઈ!

ભજન કરો તમે ભરપૂર,

ગંગાસતી એમ બોલિયાં રે,

વરસાવો નિરમળ નૂર... ગુપત.

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાની ગંગાસતીનું દર્શન (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સર્જક : લક્ષ્મણ પિંગળશીભાઈ ગઢવી
  • પ્રકાશક : શ્રી મેરુભા ગઢવી સ્મૃતિ પ્રકાશન, જામનગર
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 2