
ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.
મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ. ગોવિંદો૦
રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ. ગોવિંદો૦
મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ. ગોવિંદો૦
વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ. ગોવિંદો૦
સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ;
રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ. ગોવિંદો૦
ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય;
સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય. ગોવિંદો૦
સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ,
જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ. ગોવિંદો૦
ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય;
ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ ન લાગે કોય. ગોવિંદો૦
મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર;
સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર. ગોવિંદો૦



સ્રોત
- પુસ્તક : કાવ્યવિશેષ : મીરાં (પૃષ્ઠ ક્રમાંક 9)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
- વર્ષ : 1991
- આવૃત્તિ : પુનર્મુદ્રણ